Skip to main content

ગુજરાતના લોકમેળા

 ગુજરાતના લોકમેળા

મેળા એ ભારતની સંસ્કૃતિનું અભિન્ન અંગ છે. મેળાઓ ઐતિહાસિક, સાંસ્કૃતિક, આર્થિક, સામાજિક ઉપરાંત  પ્રદેશ કે પશુ-પક્ષી આધારિત જોવા મળે છે.
ભારતમાં સવિશેષ કુંભમેળાને ગણી શકાય. આ મેળો દર ત્રણ વર્ષે પ્રયાગરાજ, ઉજ્જૈન, નાસિક અને હરદ્વારમાં યોજાય ગુજરાતની પ્રાદેશિક વિવિધતાઓનું દર્શન ભાતીગળ મેળાઓમાં જોવા મળે છે. લોકમેળામાં અમૂક ચોક્કસ તિથીના રોજ જનસમુદાય મોટા સમૂહમાં મળીને પોતાની આગવી વિશેષતાઓની હર્ષોલ્લાસ ઉજવણી કરે છે. 
ગુજરાતમાં ભરાતા મોટાભાગના મેળાઓ મહિના અને તિથિ આધારિત હોય છે. 
ગુજરાતમાં દર વર્ષે 1,521 જેટલા મેળા ભરાય છે. તેમાંથી હિન્દુઓના મેળા 1,293, મુસ્લિમોના મેળા 175, જૈનોના મેળા 21, લોકમેળાઓ 14, ધંધાદારી મેળાઓ 13 અને પારસીઓ નો એક મેળો ભરાય છે.
સૌરાષ્ટ્રમાં ઉજવાતા મેળાઓની વિષયવસ્તુ મહદઅંશે પૌરાણિક કે ધાર્મિક હોય ! તરણેતરનો મેળો કે શિવરાત્રી મેળો.
 - દક્ષિણ ગુજરાત કે મધ્ય-પૂર્વ ગુજરાતમાં ઉજવાતા મેળાઓ મહદઅંશે આદિવાસી સંસ્કૃતિ સાથે સંકળાયેલા હોય છે. જે –
આદિવાસીઓ પોતાની સંસ્કૃતિ, ખાનપાન, રિવાજ, દેવીદેવતાઓ, પ્રકૃતિ વગેરેને કેન્દ્રમાં રાખી ઉજવણી કરે છે. દા.ત. ગોળગધેડાનો મેળો, ડાંગ દરબારનો મેળો, ઉર્સનો મેળો વગેરે.

- ઉત્તર-પૂર્વ ગુજરાતના મેળામાં આદિવાસી સંસ્કૃતિ, ઐતિહાસિક બાબતો કે પ્રકૃતિને ઉજાગર કરતા મેળાઓનું આયોજન થાય છે. જેમ કે, શામળાજીનો મેળો, પલ્લીનો મેળો વગેરે.




વૌઠાનો મેળો
આ મેળો અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલા વૌઠા નામના ગામે યોજાય છે. આ મેળો સાબરમતી, હાથમતી, વાત્રક, મેશ્વો, માઝમ, ખારી અને શેઢી એ સાત નદીઓના સંગમ 'સપ્તસંગમ તીર્થ' સ્થાને યોજાય છે. આ મેળો ગુજરાતનો સૌથી મોટો મેળો ગણાય છે. આ મેળો ગધેડા અને પશુઓના વ્યાપાર માટે જાણીતો છે.
આ મેળો કાર્તિકી અગિયારસથી કાર્તિકી પૂર્ણિમાના દિવસોમાં ભરાય છે. અહીં શ્રદ્ધાળુઓ 'સપ્તસંગમ' માં સ્નાન માટે આવે છે.

આ મેળામાં તંબુ બાંધીને રહેતા લોકો રેતીમાં ખાડો કરીને પૂનમના દિવસે દિવો મૂકે છે, જેને 'વાવ' ગોપાવી તરી ઓળખવામાં આવે છે.
મહાભારત દરમિયાન અજ્ઞાતવાસમાં પાંડવોએ વૌઠાની મુલાકાત લીધી હતી.

ધ્રાંગ નો મેળો
ધ્રાંગ કચ્છ જિલ્લામાં આવેલું છે. જયાં દાદા મેકરણની સમાધી આવેલી છે.
આ મેળાનું આયોજન મહાવદ તેરસના દિવસે (મહાશિવરાત્રી) કરવામાં આવે છે. આદિવાસીઓના આહિર સમાજમાં સંત મેકરણદાદા ભગવાન રૂપે પૂજાય છે. દાદા મેકરણના બે સાથીઓ હતા. લાલીયો ગધેડો અને મોતીયો કૂતરો મોતીયો રણમાં ભૂલા પડેલા મુસાફરોને શોધી કાઢતો. લાલીયો પોતાની પીઠ ઉપર ગોઠવાયેલી પાણીની મશકો અને ખાવાનું લઈ જઈ તે મુસાફરોને પહોંચાડતો.

સ્તંભેશ્વર નો મેળો
- આ મંદિર ભરૂચ જિલ્લાના કાવી કંબોઈ ગામમાં ખંભાતના અખાતના કિનારે આવેલા સ્તંભેશ્વર મુકામે ભરાય છે. 
- દર વર્ષે મહાશિવરાત્રીના દિવસે મેળાનું આયોજન કરવામાં આવે છે. આ સ્થળને દક્ષિણનું સોમનાથ કહેવામાં આવે છે.
- આ મંદિરનું નિર્માણ ભગવાન કાર્તિકેય દ્વારા કરવામાં આવ્યું છે.
- દંતકથા અનુસાર ભગવાન કાર્તિકેય દ્વારા તાડકાસુરનો વધ કરવામાં આવ્યો હતો.

તરણેતરનો મેળો
- આ મેળો ગુજરાતનો સૌથી પ્રખ્યાત અને સૌથી મોટો ભાતીગળનો મેળો છે. તે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ પાસે ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરમાં ભાદરવા સુદ ચોથથી ભાદરવા સુદ છઠ સુધી ભરાય છે. દંતકથા મુજબ અર્જુને અહીં દ્રૌપદીના સ્વયંવરમાં મત્સ્યવેધ કર્યો હતો.
– આ મેળામાં આહિર, રબારી, ભરવાડ, કાઠી કોમના યુવાનો રંગબેરંગી ભરત ભરેલી છત્રીઓ સાથે આવે છે, જે આ મેળાનું વિશિષ્ટ આકર્ષણ છે. આ મેળામાં ભરવાડ યુવક ધ્રુવતીઓ 'હુડા' નૃત્ય કરે છે. 
- આ મેળામાં દેશ-વિદેશના પ્રવાસીઓ આવે છે. ઉપરાંત અહીં કોળી કોમની સ્ત્રીઓ ત્રણ તાળી રાસ રમે છે. 
– અહીં રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવે છે.

ભવનાથનો મેળો
-  આ મેળો જૂનાગઢ જિલ્લાના ગિરનાર પર્વતની તળેટીમાં સુવર્ણ રેખા નદીના કિનારે મહાશિવરાત્રિ મહાવદ તેરસ દરમિયાન ભરાય છે. અહીં આ મેળામાં હજારોની સંખ્યામાં અઘોરી બાવા ઉતરી આવે છે. અહીંયા દિગબર સાધુઓના સ્નાન કરવાનું મહત્વ છે. ગુજરાત સરકારે આ મેળાને 'મીનીકુંભ મેળો' તરીકે ઉજવવાની શરૂઆત 2019 થી કરી. આ સ્થળે ભર્તુહરિ, મુચકુંદ અને ગુરુદત્તની ગુફાઓ પણ આવેલી છે. આહિર અને મેર કોમના લોકોને આ સ્થળ પર વિશેષ આસ્થા છે. મેળાના ચારે દિવસ દરમિયાન દરરોજ રાત્રે લોકસંગીત, રાસ-ગરબા, ભજન-કીર્તનના કાર્યક્રમો યોજાય છે.

ગિરનારની લીલી પરિક્રમા
ગિરનાર પર્વતની આસાપાસ પરિક્રમા કરવા માટે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ કારતક સુદ અગિયારસથી કારતક સુદ પુનમ સુધી ઉતરી આવે છે.

 માણેકઠારીનો મેળો
– આ મેળો ખેડા જિલ્લાના ડાકોર ખાતે આવેલ રણછોડરાયજીના મંદિરમાં ભરાય છે. ડાકોર વૈષ્ણવોના મોટા તીર્થોમાનું એક છે. દ્વારિકામાંથી રણછોડરાયની મૂર્તિ ભકત બોડાણો ડાકોર લાવ્યો હતો. ત્યારથી ડાકોરમાં શ્રીકૃષ્ણનું સ્વરૂપ રણછોડરાયજી તરીકે પૂજાવા લાગ્યું.
રણછોડરાયજીના મંદિરે દર પૂનમે મેળો ભરાય છે, પરંતુ શરદ પૂનમના દિવસે ભરાતા આ મેળાનું અનેરું મહત્વ રહેલું છે. દંતકથા મુજબ આ દિવસે રણછોડરાયજી સાક્ષાત હોય છે અને તેમને રત્નજડિત મુગટ ચઢાવવામાં આવે છે.

નોંઘ : આ ઉપરાંત ડાકોરમાં ફાગણ માસની પૂનમના રોજ મેળો પણ ભરાય છે. ડાકોરનું રણછોડરાયનું હાલનું મંદિર ધ 1772માં ગોપાલ જગન્નાથ તામ્બવેકર દ્વારા બનાવવામાં આવેલું. તેમાં બાર રાશિ પ્રમાણે દરેક બાજુ બાર-બાર પગથિયાં આઠ ગુંબજ અને ચોવીસ મિનારા છે.

પલ્લી નો મેળો
આસો સુદ નોમના દિવસે ગાંધીનગરથી નજીક રૂપાલ ગામે આ મેળો ભરાય છે, જેમાં વરદાયીની માતાની પલ્લી નીકળે છે. આ મેળા દરમિયાન માતાજીની પલ્લીને શુદ્ધ ઘી ચઢાવવાની પરંપશ રહેલી છે, દેવીની પલ્લી--પાલખીને ઊંચકીને જતો લાંબો વરઘોડો આ મેળાની વિશિષ્ટતા છે. આ મેળામાં ભાગ લેવા રૂપાલમાં મોટો લોકસમુદાય ઉમટે છે.
આ પલ્લીની શરૂઆત વણકર ભાઈઓ દ્વારા થાય છે. વણકર ભાઈઓ પલ્લી બનાવવા માટે ખીજડાના વૃક્ષનું લાકડું લાવે છે. ત્યારબાદ સુથાર ભાઈઓ પલ્લી બનાવે છે. વાળંદ ભાઈઓ વરખડાના સોટા પલ્લીને બાંધે છે. કુંભાર ભાઈઓ કુંડા છાંડે છે અને મુસ્લિમ સમાજના વ્હોરા (પિંજારા) ભાઈઓ કુંડામાં કપાસના બીજ રોપે છે, પાટીદાર સમાજના લોકો પલ્લીની પૂજા આરતી કરી કુંડામાં અગ્નિ પ્રગટાવે છે. પલ્લીની આગળ ક્ષત્રિય સમાજના ચાવડા ભાઈઓ ખુલ્લી તલવારે ઊભા રહે છે. પંચોળ સમાજના ભાઈઓ માતાજીના નૈવેદ્ય માટે સવામણનો ખીચડો તૈયાર કરે છે. આમ વાજતે ગાજતે પલ્લીની શરૂઆત થાય છે.
 
અંબાજીનો મેળો
– બનાસકાંઠા જિલ્લામાં આવેલ અંબાજી માતાના મંદિરના પ્રાંગણમાં ભાદરવા સુદ પુનમ ના રોજ લાખો ની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. અહીં આ મંદિરોમાં માતાજીના ‘શ્રી યંત્ર' ની પૂજા થાય છે.

વરાણાનો મેળો
– પાટણના સમી તાલુકા ખાતે વરાણામાં ખોડિયાર માતાજીના મંદિરના પ્રાંગણમાં મહા સુદ આઠમના દિવસે આ મેળાનું આયોજન થાય છે.
- આ મેળાને મિની તરણેતરના મેળા તરીકે ઓળખવામાં આવે છે. ખાસ કરીને આ મેળામાં વઢિયાર પંથકના લોકજીવનની સંસ્કૃતિના દર્શન થાય છે.
– આ મેળામાં તલ ગોળ અને સાકરની બનેલી 'સાની' નું નૈવેદ્ય કરીને પ્રસાદ સ્વરૂપે આપવામાં આવે છે.

કાત્યોકનો મેળો
– પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે સરસ્વતી નદીના કિનારે કાર્તિકી પૂર્ણિમાના રોજ આ મેળો ભરાય છે. આ મેળામાં મોટી માત્રામાં ઊંટની લે-વેચ થાય છે.
– આ મેળામાં શેરડીનો વેપાર થતો હોવાથી તેને 'શેરડીયો મેળો' કહેવામાં આવે છે.
સિદ્ધપુર માતૃતર્પણ માટે જાણીતુ છે. અહીંયા ભગવાન શિવના મોટા પુત્ર કાર્તિકેય મહારાજનું મંદિર આવેલું છે.

ઐઠોરનો મેળો
- મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના ઐઠોરમાં ગણપતિ બાપાનું મંદિર આવેલું છે. જ્યાં ચૈત્ર સુદ ત્રીજથી પાંચમ સુધીનો મેળો ભરાય છે. અહીંયા ગણપતિ ભગવાનની સાથે સાથે વરૂણ અને અગ્નિ દેવતાની પણ પૂજા કરવામાં આવે છે. 
- નાયકભાઈઓ સારુ મૂહૂર્ત લઈને ભૂંગળ જેવા વાજિંત્ર વગાડીને ગામના ચોરે આગમન કરે છે. અને રાંધેલા ઘૂંઘરાની પ્રસાદી આપવામાં આવે છે.

બહુચરાજીનો મેળો
– મહેસાણા જિલ્લાના બહુચરાજી ખાતે ચૈત્રી પુનમે બહુચર માતાના મંદિરના પ્રાંગણમાં આ મેળો ભરાય છે.
- બહુચરાજી વ્યંઢળ સમાજનું મુખ્ય કેન્દ્ર હોવાથી ખાસ કરીને ભારતભરમાંથી વ્યંઢળો આવે છે. આ વ્યંઢળ સમાજ બહુચર માતાજીને પોતાની આઘદેવી તરીકે માને છે.
બહુચરાજી ભારતની એકાવન અને ગુજરાતની ત્રણ શક્તિપીઠમાંથી એક છે.

નોંધ : આ મંદિરનું નિર્માણ કડીના સુબા માનાજીરાવ ગાયકવાડે કરાવ્યું હતું. આ ઉપરાંત મરાઠા સૂબા નાના ફડનવીશ દ્વારા બનાવવામાં આવેલું હતું.

 ભાડભૂતનો મેળો
– ભરૂચ જિલ્લાના ભાડભૂત ખાતે દર 18 વર્ષે કુંભમેળો ભરાય છે. અહીં ભાડભૂતેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. ભારતનો સૌથી લાંબા અંતરે ભરાતો મેળો છે. 

 પાલોદરનો મેળો
મહેસાણા જિલ્લાના પાલોદર ખાતે આવેલ ચોસઠ જોગણી માતાનાં મંદિરે ફાગણ વદ અગિયારસથી તેરસ સુધી આ મેળો ભરાય છે. આ મેળાની વિશેષતા એ છે કે, તેમાં પાક અને વરસાદ વિશેની આગાહી કરવામાં આવે છે.

 માધવપુરનો મેળો
– પોરંબદર જિલ્લાના માધવપુર ખાતે ચૈત્રી સુદ નોમથી તેરસ સુધી આ મેળો ભરાય છે. જેમાં કૃષ્ણા અને રૂકમણીના ભવ્ય લગ્ન થોજાય છે. પૌરાણિક માન્યતા મુજબ શ્રીકૃષ્ણ રૂકમણીની વિનંતીથી તેમનું અપહરણ કરી અહીંના મંદિરમાં તેમની સાથે લગ્ન કર્યાં, તે પ્રસંગની યાદમાં દર વર્ષે અહીં માધવપુરનો મેળો યોજવામાં આવે છે.
જેમાં એક દુહો જાણીતો છે. ''માધવપુરનો માંડવો, આવે જાદવકુળની જાન, પરણે રાણી રુકિમણી જ્યા વર દુલ્હા ભગવાન'' એ પંકિત પ્રખ્યાત છે.

લેખક રઘુવીર ચૌધરીએ માથવપુરને સૌરાષ્ટ્રનું વૃંદાવન કહ્યું છે.

 માધવપુરના મેળાનો ઈતિહાસ
પૌરાણિક માન્યતા અનુસાર અરૂણાચલ પ્રદેશમાં ભિસ્મક નામે રાજા હતો જેને પાંચ પુત્ર અને એક પુત્રી હતી. જેનું નામ રૂકમણી હતું.

* રૂકમણીનો ભાઈ રુકમી તેમના લગ્ન પોતાના મિત્ર શિશુપાલ સાથે કરાવવા માંગતા હતા. પરંતુ રૂક્ષ્મણી મનોમન કૃષ્ણને ચાહતા હતા માટે તેમણે કૃષ્ણને પત્ર લખી લગ્નની ઈચ્છા જાહેર કરી, આ પત્ર મળતા શ્રીકૃષ્ણ સેના સાથે લગ્ન સ્થળે પહોંચ્યા. શ્રીકૃષ્ણ રૂકમણીનું હરણ કરીને માધવપુર લઈ ગયા હતા અને ત્યાં બંનેના લગ્ન થયા હતા.

* અરૂણાચલ પ્રદેશનું પૌરાણિક નામ વિદર્ભ હતું અને રૂકમણીને વિદર્ભિ તરીકે ઓળખવામાં આવતી. 
માધવપુર મેળો ઃ રાષ્ટ્રીય એકતાનું પ્રતીક
ગત વર્ષ 2018માં આ મેળાને અરૂણાચલ પ્રદેશથી ગુજરાત સુધીની ચિરંતન યાત્રાના ઉત્સવ તરીકે ઉજવવામાં આવ્યો હતો.

- વર્ષ 2018માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક ભારત શ્રેષ્ઠ ભારત'ની સંકલ્પનાને સાકાર કરવા અને ગુજરાતને ઈશાન ભારત સાથેના અનુબંધનને સાકાર કરવા માધવપુરના પરંપરાગત મેળાને રાષ્ટ્રીય એકતા મેળા તરીકે પ્રતિવર્ષ ઉજવવાની શરૂઆત કરવામાં આવી હતી. - ઈદુ મિષ્મી નૃત્ય એ અરૂણાચલ પ્રદેશના આદિવાસી પ્રજાતિ ઈદુ મિષ્મનું લોકનૃત્ય છે, જેમાં નૃત્યકાર આદિવાસી કપડા પહેરે છે જેમાં સુંદર ડિઝાઈન હોય છે. તે લોકોના વાળની શૈલી ખુબ જ અલગ હોય છે. તેમના જમણા ખભા પર ચામડાની બનેલી બેગ અને તલવાર હોય છે. તેઓ રંગીન મણકામાંથી બનેલા હાર પહેરે છે. તેઓ ગળામાં વાઘ અને રીંછના દાંત પહેરે છે.

"ગોરસ' લોકમેળો
સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાનું નામ 'ગોરસ લોકમેળો આપવામાં આવ્યું.
તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા કરાયેલ જાહેરાત અનુસાર સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટમાં યોજાતા મેળાને “ગોરસ લોકમેળો' નામ આપવામાં આવ્યું હતું. જેને સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો જાહેર કરાયો છે.
વર્ષ 2018 થી આ મેળાને જુદા-જુદા નામ આપવાની શરૂઆત થઈ છે. વર્ષ 2018 માં સૌપ્રથમ આ મેળાને ગોરસ નામ અપાયું હતું. ત્યારબાદ વર્ષ 2019 માં તેનું નામ મલ્હાર રાખવામાં આવ્યું હતું.

– આ મેળાનું આયોજન દર વર્ષે શ્રાવણ સુદ છઠ થી શ્રાવણ વદ દશમ સુધી કરવામાં આવે છે.

 રવેચીનો મેળો
કચ્છના રાપર ખાતે આ મેળો ભરાય છે. આ મેળો ભાદરવા સુદ સાતમ-આઠમે ભરાય છે આ મેળાને કચ્છનું તળપદી તોરણ' કહેવાય છે.

સરખેજનો મેળો
સરખેજનો મેળો સંત શેખ અહમદ ખટુ ગંજબક્ષ સાહેબની કબર પાસે તળાવને કાંઠે ભરાય છે. સંત અહમદખટ્ટ અમદાવાદના સ્થાપક સુલતાન અહમદશાહના માર્ગદર્શક અને માનીતા હતા. ઈ.સ.1445માં એમનું અવસાન થતાં તેમની કબર સરખેજમાં સુંદર તળાવને કાંઠે બાંધવામાં આવી છે. જે ભારતીય મુસ્લિમ સ્થાપત્યનાં આદર્શ નમૂના તરીકે સ્વીકારાઈ છે. આ ધાર્મિક મેળામાં 25000 થી વધુ લોકો ભાગ લે છે.

શાહઆલમનો મેળો
– શાહઆલમનો જાણીતો મેળો સુપ્રસિદ્ધ સંત શાહઆલમની યાદમાં યોજાય છે. સુલતાન કાળ દરમિયાન તેમના અવસાન પછી ઈ.સ. 1475માં મહમદ બેગડાના દરબારીએ આ સંતની સ્મૃતિમાં અહીં એક ભવ્ય કબર રચી. ત્યારથી મુસ્લિમો આ સ્થળ ને  પવિત્ર યાત્રાધામ માની એની મુલાકાત લે છે.

મીરા દાતારનો મેળો
– મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકામાં ઉનાવા ખાતે હઝરત સૈયદ અલી મીરા દાતારની દરગાહ આવેલી છે. હિજરી કેલેન્ડર મુજબ પ્રથમ માસ મોહરમના 29મા દિવસની રાત્રે ચાંદ દેખાતા આ દરગાહનો ઉર્સ (મેળો) શરૂ થાય છે. આ મેળો પંદર દિવસ સુધી ચાલે છે. મોહરમના 29માં ચાંદના રોજ (તારીખ) તેમની શહીદ થવાની યાદમાં આ મેળાનું આયોજન કરવામાં આવે છે.
‘મીરા'નો અર્થ બહાદુર અને 'દાતાર'નો અર્થ આપનાર થાય છે. નોંધ : આ દરગાહની જાળી અને દરવાજા સોના અને ચાંદીના બનેલા છે. સમગ્ર પરિસરમાં સંગેમરમરના પથ્થર વડોદરાના રાજા સયાજીરાવ ગાયકવાડે લગાવડાવેલા છે.

 ખંભોળજનો મેળો
રોમન કેથોલિક ખ્રિસ્તી ધર્મનો મેળો છે. જે 'અનાથોના મેળા' તરીકે પણ ઓળખાય છે.
ખંભોળજ ગામ આણંદ જિલ્લામાં આવેલું છે. 
ઈસુની માતાનું નામ મરિયમ હતું. જે અનાથોની માતા તરીકે ખંભોળજ મુકામે સ્થાપિત છે. દર દિવાળીએ આ મેળાનું આયોજન થાય છે.
આ મેળામાં ધાર્મિક ક્રિયાનું વધુ મહત્વ છે. મેળા દરમિયાન ચર્ચમાં વિધિ થાય છે, જેને 'માસ' તરીકે ઓળખવામાં આવે છે.
 નોંધ :આ ઉપરાંત વડોદરા ખાતે 'નિરાધારોની માતા'નો મેળો અને મરિયમપુરા (પેટલાદ) ખાતે આરોગ્યમાતા'નો મેળો ભરાય છે.

નકળંગ મેળો.
– નકળંગનો મેળો ભાવનગરમાં ભરાય છે. મહાભારતકાળ દરમિયાન પાંડવોને થયેલા 13 વર્ષના વનવાસ દરમિયાન તેઓ કરતા-કરતા સૌરાષ્ટ્રના સાગરકાંઠે આવ્યા ત્યારે દ્રૌપદીને પૂજા માટે ભીમે ભોલાનાથ ભગવાનનું શિવલિંગ સમુદ્રમાં સ્થાપ્યું હતું.

આ મહાદેવ નિકળંગ (નકળંગ) મહાદેવ તરીકે ઓળખાય છે. દર વર્ષે ભાદરવી અમાસના દિવસે જ સમુદ્રની ઓટના થોડા કલાકો દરમિયાન જ દર્શન થાય છે. તે સિવાય ભગવાન શિવ સમુદ્રના પાણી સમાયેલા રહે છે. આથી આ દિવસે અહીં મેળો ભરાય છે. આ દિવસે ભકતજનો રંગરંગની ધજાઓ લઈને સંઘો સ્વરૂપે પગપાળા આવે છે અને દરિયાકાંઠે પહોંચે છે. જેવી દરિયાની ભરતી ઉતરે એટલે કે ઓટ આવે, પાણી ઉતરે અને ભોળાનાથ દર્શન આપે ત્યારે સૌ પ્રથમ તેમના પર ધજા ચઢાવવાની પરંપરા કરવામાં આવે છે.
આ પ્રસંગે અહીં માણસો નો સમૂહ એકઠો થાય છે અને એક મેળા જેવું વાતાવરણ ઊભું કરે છે. આ મેળો નકળંગ મહાદેવના મેળા તરીકે ઓળખાય છે.

વીર વૈતાળ નો મેળો.
- ઊંઝાથી નજીક પુષ્પાવતી નદીના કિનારે આવેલ ભાખર ગામે ચૈત્ર સુદ સાતમના રોજ હરસિદ્ધ માતા અને આગિયા વીર વૈતાળનો લોકમેળો ભરાય છે. એકદંત કથા મુજબ કહેવાય છે કે આસુરી શક્તિએ આ ગામમાં ઉપદ્રવ મચાવ્યો હતો. આથી તેનો વધ આગિયા વીર વૈતાળે કર્યો.
- કપાયેલા ઉછળતાં મસ્તકને શાંત કરવા માટે લોકોએ લાકડીના પ્રહાર કરેલો, આથી જેની પાદરૂપે આ મેળાના દિવસે મંદિરના પ્રાગંણમાં એકઠા થઈને લાકડીઓના પ્રહાર કરીને આ લોકમેળો ઉજવે છે.

 મેઘવાળ મેળો
મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના હડમતિયા ગામથી નજીક મેઘવાળ સમાજના પાલમપીરની મેડી આવેલ છે. અહીં ભાદરવા વદ નોમથી બારસ સુધી ધાર્મિક મેળાનું આોજન થાય છે.
આ મેળો કોઈપણ જાતના આડંબર વિના માત્ર ધાર્મિક વિધિઓથી ભરપૂર અનોખા આકર્ષણનું કેન્દ્ર છે. ધાર્મિક રીતરિવાજ ખૂબ જ મહત્વ ધરાવે છે. મેળામાં આવવા માટે ગુજરાતમાંથી સંઘો ચાલીને આવે કેટલાક લોકો મેળા અગાઉ 21 દિવસના ઉપવાસ પણ કરે છે.

ગુજરાત અને ખાસ કરીને મુંબઈમાંથી આવતાં યાત્રાળુઓ ઝૂંપડીઓ બાંધીને વસવાટ કરતા જોવા મળે છે. આ મેળામાં મેઘવાળ જ્ઞાતિના લોકો સપરિવાર આવે છે અને જમણવાર માટે પાંચ દિવસનું કાચું સીધું સાથે લેતા આવે છે અને પાલમપીરની મેડી મંદિરની આજુબાજુમાં વસવાટ કરે છે.

હથીયાઠાંઠુંનો મેળો
મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાં કે વાલમ ગામમાં સુલેશ્વર માતાના સાન્નિધ્યમાં હાથીયાઠાંઠું ના લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. 
- આ લોકોમેળામાં માતાજીનો રથ તૈયાર કરવાની વિશિષ્ટ પ્રણાલી છે, ગામના દલિતો લાકડું કાપે, ચાર રથ બનાવે, ગામના દરજી લોકો ચૂંદડી બનાવે, નાયકભાઈ સ્ત્રીનો વેશ ધારણ કરી ૨થ માં ઊભા રહે છે. ગામના વાળંદ હાથમાં મશાલ લઈને રથની સાથે દોડે છે. પાટીદારો આ રથ ના સુત્રધાર બની રથને ખેંચવા માટે બળદ આપે છે.

ચૈત્ર વદ છઠના દિવસે રાંધેલા ખીચડાને માટલામાં ભરીને આ માટલું સૂંડલામાં મૂકી માતાજીની જય બોલાવતા બોલાવતા ગામ વચ્ચે થઈને સુલેશ્વરી માતાના મંદિરે પહોંચાડવામાં આવે છે. કુંડની પ્રદક્ષિણા કરીને તેમાં ખીચડાની આહૂતિ આપવામાં આવે છે. આ દરમિયાન જો આ માટલાનો કાંઠલો ભાંગે નહીં તો આખું વર્ષ સારૂ જાય તેવી એક માન્યતા છે.

 ચૈત્ર વદ નોમની રાત્રે દશમના દિવસે પરોઢિયે આ લોકમેળો તેની ચરમસીમાએ પહોંચે છે. રાત્રે બે ગાડાંને વિશિષ્ટ રીતે શણગારવામાં આવે છે.
એક ગાડાના ઘૂંસરા આગળ હાથીનું મોઢું-સૂંઢ જેવો આકાર બનાવાય છે, જે 'હાથિયા' તરીકે ઓળખાય છે, જયારે બીજું ગાડું 'ઠાંઠું' તરીકે ઓળખાય છે. આ મેળાને 'હાથિયાઠાઠુ' તરીકે ઓળખાય છે, આ લોકમેળો ખેડૂતો માટે વરસનો વરતારો જોવા માટે ભરાય છે.

પાવાગઢનો મેળો : પંચમહાલ જિલ્લામાં પાવાગઢના મહાકાળી માં ના દર્શનાર્થે ચૈત્ર સુદ આઠમના રોજ આ મેળો ભરાય છે.
શિતળા સાતમનો મેળો નર્મદા જિલ્લાના રાજપીપળામાં આ મેળાનું આયોજન થાય છે.
ગંગાજીનો મેળો કચ્છ જિલ્લાના રામપર વેકરામાં કારતક સુદ પૂનમના દિવસે આ મેળો ભરાય છે.
પંખેરાપીરનો મેળો કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના શિકારપુર ગામે પંખેરાપીરના ઉર્સના સમયે આ મેળો ભરાય છે.
ઉદવાડા મેળો વલસાડ જિલ્લાના ઉદવાડામાં પારસીઓનો એક માત્ર મેળો ભરાય છે.
અંબોડનો મેળો ગાંધીનગર જિલ્લાના અંબોડ ગામમાં આ મેળો ભરાય છે. દર વર્ષે અશ્વ દોડ સ્પર્ધાનુંઆયોજન થાય છે. તેને અંબોડનો અશ્વમેળો પણ કહે છે.
મજાદરના મેળો બનાસકાંઠા જિલ્લામાં ભાદરવા માસની અગિયારસના દિવસે આ મેળો ભરાય છે,
કાળિયા ભૂત ની મેળો બનાસકાંઠા જિલ્લાના ભીલ ગરાસિયા જાતિના લોકો દ્વારા મહા મહિનામાં આ મેળાનું
આયોજન કરવામાં આવે છે.

Comments

Popular posts from this blog

"Mastering the UPSC Exam on Your First Attempt: Proven Strategies for Success"

  " Unlock Your Path to Success: Ace the UPSC Exam in Your Very First Attempt with Time-Tested Strategies! Discover Your Ultimate Guide to Achieving Proven Results and Realize Your Dream of Conquering the UPSC Exam." READ MORE

"શા માટે દરેક GPSC અને UPSC ઉમેદવારને સફળતા માટે માર્ગદર્શકની જરૂર છે"

  શું UPSC અને GPSC પરીક્ષાઓમાં સફળતા માટે મેન્ટરશિપ નિર્ણાયક છે? ગુરુ-શિષ્ય પરમ્પરા, ભૂતકાળની એક સુંદર પરંપરા, આપણા માટે જાણીતી છે, પરંતુ આજકાલ, ભાગ્યે જ કોઈ તેનું પાલન કરે છે. આ પરંપરામાં શિક્ષકો વિદ્યાર્થીઓ સાથે સીધા જ્ઞાનની વહેંચણી કરતા હતા, જેણે તેમને માત્ર શીખવામાં જ મદદ કરી ન હતી પરંતુ તેમને વધુ સારા લોકો પણ બનાવ્યા હતા. જો કે, જો આપણે આપણી આસપાસનું અવલોકન કરીએ, તો આપણે જોઈ શકીએ છીએ કે અતિશય વ્યાપારીકરણ શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચે વધુ વ્યવહારિક સંબંધો તરફ દોરી ગયું છે. તેમની વચ્ચે નોંધપાત્ર ડિસ્કનેક્ટ છે. પ્રશ્નો પૂછવાનો ડર શીખવાની પ્રક્રિયામાં અવરોધ ઊભો કરે છે, જે આદર્શ રીતે વિપરીત હોવો જોઈએ. જીવનની ઝડપી ગતિ અને અસંખ્ય સંસાધનોની સરળ ઍક્સેસે ઘણા વિદ્યાર્થીઓને મૂલ્યવાન માર્ગદર્શનથી દૂર કર્યા છે જે જીવનમાં સફળતા તરફનું નિર્ણાયક પ્રથમ પગલું હોઈ શકે છે. પણ થોડી વાર વિચાર કરો... વિશ્વામિત્ર, સંદિપની અને દ્રોણ જેવા શિક્ષકોની વાર્તાઓ, રામ, કૃષ્ણ અને અર્જુન જેવા તેજસ્વી વિદ્યાર્થીઓની વાર્તાઓ, આપણી જીવનયાત્રાના ફેબ્રિકમાં વણાયેલી છે, શું તે નથી?  Read More